હોળી આ વખતે શુક્રવારે હોઇ ૩ દિવસ ની રજા નો મસ્ત મેળ પડેલો. મારી નોકરી બરોડા એટલે ગુરુવારે કામ પતાવીને સાંજે નીકળ્યો ગાંધીનગર ઘરે જવા. ઓફિસ થી બસ સ્ટેશન અડધા - પોણા કલાક નો રસ્તો ખરો અને બસ નો ટાઈમ હતો સાડા છ નો એટલે સાડા પાંચ વાગે નીકળેલો. સદનસીબે બહાર નીકળ્યાં ની પાંચ મિનીટ માં જ ડાયરેક્ટ સ્ટેશન ની રિક્ષા મળી ગઈ, એ પણ બે જણ વચ્ચે એટલે ટાઈમ એ પહોંચવાની અને થોડું ઘણું ભાડું બચવાની બેવડી ખુશી હતી.
સ્ટેશન એ ધાર્યા મુજબ સવા છ એ પહોંચ્યો. બરોડા થી રાણીપ(અમદાવાદ) સુધી ની વોલ્વો ની ટિકીટ ઓનલાઇન બુક કરાવેલી એટલે ચિંતા નહોતી. બરોડા થી અમદાવાદ બે - અઢી કલાક અને ત્યાં થી ગાંધીનગર નો બીજો અધડો - પોણો કલાક ના હિસાબે પોણા દસ વાગ્યા સુધી માં ઘરે પહોંચવાની ગણતરી હતી. સ્ટેશન એ પહોંચતા જ બસ પણ જાણે રાહ જોઈ ને ઉભી હતી. ટાઈમ થતાં જ બસ ઉપડી.
થોડી વાર પછી કંટાળો આવવા લાગ્યો અને થાક ના કારણે માથું દુઃખતું હોઈ મોબાઈલ વાપરવાની ઈચ્છા પણ નહોતી. છેવટે પાછળ ની સીટ એ બેઠેલા બહેનની એમના પતિ જોડે ફોન ઉપરની ઉગ્ર દલીલો અનિચ્છા એ પણ સાંભળવી પડી. આમ તો મને કોઈ ની વાતો સાંભળવાની ટેવ નહિ પણ સંજોગવશાત બહેન ના પતિ નું નામ પણ અક્ષય હતું અને હું કંટાળેલો એટલે મને પણ કુતૂહલ જાગ્યું. બસ માં બેઠા ના લગભગ કલાક પછી એમનો ઝઘડો ચાલુ થયેલો અને સિટીએમ આવતા આવતા મને એટલું તો સમજાઈ ગયેલું કે ઝગડો કઈ વાત ને લઇ ને હતો. વચ્ચે મેં બહેન ને એવું બોલતા સાંભળ્યા કે "મને તો બોલવા દે!". મને નવાઇ એ વાત ની લાગેલી કે મને યાદ છે ત્યાં સુધી ૯૦% ટાઈમ બહેન જ વાત કરતા હતા. બહેન સીટીએમ એ ઉતરી ગયા. હવે બાકીનો સમય પસાર કેવી રીતે કરવો એ વિચારવાનું હતું. સિટીએમ થી રાણીપ પહોંચતા આમ તો ચાલીસ મિનીટ જેવું જ થાય પણ હોળી ના હિસાબે ટ્રાફિક હોઇ કલાક લાગી ગયો. જો કે રસ્તા માં પાંચ - છ જગ્યાઓ હોળી જોવાનો લહાવો પણ મળ્યો!
છેવટે સવા નવ વાગ્યા ની આસપાસ હું રાણીપ ઉતર્યો. આશા હતી કે થોડો "વહેલો" હોઇ ગાંધીનગર ની બસ જલ્દી જ મળી જવી જોઈએ પણ નિયતિ ની કંઇક બીજી જ ઈચ્છા હતી. પંદર મિનીટ રાહ જોવા છતાં એક પણ બસ નજરે ના આવતા એક દુકાનવાળા ને પૂછવા ગયો. ત્યાં થી જાણવા મળ્યું કે હજુ વાર લાગે એમ હતી. માથું તો દુ:ખાવાનું ચાલુ જ હતું એવા માં દુકાને ચા દેખાતા એક ચા પ્રેમી તરીકે સ્વાભાવિક રીતે જ આદુ વાળી કડક ચા પીવાના કોડ જાગ્યા. પણ પાછું ઘરે જઈ ને જમવાનું હોઇ ચા નો પ્લાન ઈચ્છા હોવા છતાં કેન્સલ રાખવો પડ્યો.
છેવટે પોણા કલાક સુધી રાહ જોયા પછી બસ આવી! પણ તહેવાર ના હિસાબે અંદર ભીડ એટલી હતી કે ઉભુ રહેવાની જગ્યા પણ માંડ દેખાઈ. હાથ માં ૨ બેગ (એક માં પાછું લેપટોપ) હોવાના લીધે બેસવું કે નઈ એની અવઢવ માં હતો પણ મોડું થઈ ગયું હતું અને બીજી બસ ના કોઈ અણસાર દેખાતા નહોતા એટલે "અંદર જઈ ને જોયું જવાશે" ના નિર્ધાર સાથે બસ માં ચઢ્યો. મારા કરતા મને લેપટોપ ની બેગ ક્યાં મૂકવી એની ચિંતા વધારે હતી. છેવટે રેક ઉપર પણ ખાલી જગ્યા ન દેખાતા મારા પગ ની આગળ જ બેગ મૂકી. બીજી બેગ કંડકટર ની સીટ ઉપર મૂકવાની વિનંતી કરી. કંડકટર ભલો માણસ હતો, સંમત થયો. ધક્કા ખાતા ખાતા પણ અંતે દસ ની જાગ્યા એ સાડા દસ વાગે ગાંધીનગર પહોંચ્યો. થાક તો લાગેલો જ હતો પણ કહે છે ને કે "ધરતી નો છેડો ઘર". ઘરે પગ મૂકતા જ જાણે બધો જ થાક ઉતરી ગયો. ઘર માં પ્રવેશતા જ મે રસોડા તરફ દોટ મૂકી, જ્યાં મમ્મી ના હાથ નું ખાવાનું મારી રાહ જોઈ રહ્યું હતું. મુસાફરી એ થકવી નાખેલો પણ પહેલો કોળિયો મોઢા માં જતાં જ લાગ્યું કે દુનિયા ની નિયમ છે કે કંઇક મળવાની કિંમત ત્યારે જ સમજાય જ્યારે એ મળતા પહેલા કંઇક અડચણ આવે.